નવરાત્રી ની વાતો

ગુજરાતનાં પ્રખ્યાત ગરબાની વિશેષતા એ છે કે એમાં કોઈ ફક્ત દર્શક નથી હોતું, જેની ઇચ્છા થાય એ જોડાઈ શકે છે. ગરબાના તાલ આપમેળે સહુને ઝૂમતા કરી દે છે. ગરબા ન ગમતા હોય એવો ગુજરાતી જડવો મુશ્કેલ. ગરબા ગાનારને માતાજીની ભક્તિની સાથે સાથે ખુબજ આનંદની અનુભૂતિ થાય છે, અને ગરબા જોનારાઓને પણ આનંદની અનુભૂતિ થાય છે, પણ જરા જુદી રીતે. કેમકે ગરબા રમવાની દરેકની અલગ અલગ સ્ટાઈલ હોય છે. અત્રે અનેક ખેલૈયાઓ પૈકી કેટલાકનું વર્ણન આપ્યું છે; જે વાંચતા તમને પણ યાદ આવશે કે, આવા ખેલૈયા તો જોયા છે અથવા અમે પણ આ જ રીતે ગરબા ગાઈએ છીએ.

ગરબા કે રાસમાં પગ ઉપર ઠેકો લેતાં ગોળ ગોળ ફરવાનું હોય છે. કેટલાક પ્રોટીન પાવડર ખાઈને આવ્યા હોય એમ એટલી ત્વરાથી હાથ લાંબા રાખીને ફરતા હોય છે, કે આજુબાજુ વાળાઓને એમજ લાગે કે જાણે પંખો ચાલતો હોય અને જરા અંતર રાખીને ફરતા હોય એટલે આ એકલવીર દૂરથીજ દેખાય આવે.

કેટલાક ખેલંદા કે ખેલંદીઓ એટલા માપસર ડગલાં ભરતા હોય, ફરતાં અને ઠેકો દેતા હોય કે જાણે કોઈ રોબોટને પ્રોગ્રામિંગ કરીને રમતાં મુક્યા હોય તો કેટલાક એવા ફ્રી-સ્ટાઇલ ખેલૈયા જેવા હોય કે અથડાઇ પણ જાય અને જો સામે વાળાની હાઇટ ઓછી હોય તો કદાચ તાલકામાં પણ દાંડિયા વગાડી દે, પછી સોરી કહેવાનો પણ ટાઈમ ન હોય. ફરીથી પાછો બેઉનો આમનો સામનો થાય એટલે પેલા બટાકા ભાઈને માથું બચાવવાની ફિકર હોય અને લાંબાને સોરી કહેવાની ઇચ્છા હશે પણ ગરબામાં ભુલાય જાય એવું પણ બને,

કેટલાક નવશીખ્યા યુવાનો યૂ-ટ્યુબ જોઈને અથવા ક્લાસમાં શિખીને આવેલા હોય તેમને એ ફિકર હોય કે કોઈના ટાંટિયામાં ભેરવાઈને પોતે પડે નહીં, જો કે એમની રમવાની રીત જોઈને સામે વાળા પણ એવું જ વિચારતા હોય છે.

ઘણી વખત ગરબાનું ચક્કર ધીમું ચાલતું હોય અને ટ્યુન બદલાય એટલે પાવર બાઇકને ટોપ ગિયરમાં નાખી હોય એમ બધા ઝડપથી ફરવા માંડે તો એમાં એવું થાય કે બધાની ગતિ મેચ ન થાય(યુવાનો અને ઘરડા ભેગા હોય ત્યારે ખાસ) એટલે આગળ એન્જિન ચાલતું હોય અને પાછળ ડબ્બા હોય તેમ ટ્રેન ટ્રેન રમતાં હોય એવી સિચ્યુએશન ટૂંક સમય માટે પણ ઊભી થઈ જાય છે.

સ્ટેડિયમમાં કે પાસવાળા પ્રોગ્રામમાં તો એવાં ડ્રેસ ધારણ કર્યા હોય કે પાછળથી ઓળખવા મુશ્કેલ પડે કે ભાઇ છે કે બહેન છે.

મેકઅપ કરવો સારી વાત છે. એનાથી સૌદર્યમાં નિખાર આવે છે, પણ કેટલાકે એવો ઓવર મેકઅપ કર્યો હોય કે દૂરથી કોઈ ઢીંગલુ રમતું હોય એમ લાગે. ખરી મજા તો ત્યારે આવે જ્યારે ફુલ જોશમાં લાઉડ સ્પીકર વાગતું હોય અને ખેલૈયાઓ પૂરી તાકાતથી ફરતા હોય અને અચાનક વિજળી ગુલ થઈ જાય. પછી અસલ ગરબાની જેમ જેની શોધ થવાની બાકી હોય તેવા કોઈ રાગમાં કોઈ ગરબા ઉપાડી લે અને એજ રાગમાં બીજા ઝીલે. જો કે એમાં પણ મજા તો આવે જ.

વિશ્વની ઉત્પત્તિ પૂર્વે પણ શક્તિ સ્વરૂપ માતાજી હતા અને સદા રહેશે. સૃષ્ટિમાં જીવનચક્ર રૂપી  ગરબા પણ ચાલ્યા કરશે. આપણાં જેવા જીવો જન્મ લેવાનાં અને પાછાં જવાના, વચ્ચેના ગાળામાં બધા પોતપોતાની રીતે રમવાના. શું આ સૃષ્ટિના લયનું પ્રતિક જ ગરબા નથી?

જય માતાજી !! 😀

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *