શ્રીકૃષ્ણ અને વાંસળી

બે –ત્રણ દિવસથી શેરીમાથી રોજ સવારે આઠ વાગ્યે કોઈ ફેરિયો વાંસળી વગાડતો પસાર થાય છે. એવી મીઠી ધૂન વગાડતો હોય છે કે મન પ્રફુલ્લિત થઈ જાય છે. પરંતુ આજે ફેરિયો આવ્યો નહીં પણ જેવા આઠ વાગ્યા કે તેની સુરાવલિ યાદ આવી. તે જાતે ભલે ન આવ્યો પણ મનના કલ્પના પ્રદેશમાં સુરાવલિ રૂપે પોતાની હાજરીનો અનુભવ કરાવી ગયો એમ કહી શકાય.

આમ જુઓ તો વાંસળી એટલે એક વાંસનો એક પોલો ટુકડો જેમાં છ છિદ્ર હોય છે. આ ભૂંગળીએ પોતાના પોલા અવકાશમાં સાત સૂરોની વિરાટ અને મનોરમ્ય સૃષ્ટિ સંતાડી રાખી છે. તેમાં ફૂંક મારો તો અથવા એમ કહો કે ફૂંક રૂપી કર્મ કરો તો સુરો જીવંત થઈ ઊઠે છે અને ચોતરફ સૃષ્ટિમાં મધુરપ ભરી દે છે. વાંસળી અથવા બંસી અથવા મુરલી તરીકે સહુ જેને ઓળખે છે, તે તો શ્રીકૃષ્ણનું પ્રિય સુષિરવાદ્ય ઉર્ફ કંઠવાદ્ય છે.
માતા જશોદાને વિશ્વરૂપદર્શન કરાવનારા શ્રીકૃષ્ણને શાં માટે મુરલી પસંદ છે? મુરલી સૃષ્ટિ અને જીવનનું પ્રતિક છે. સાત સૂરોનું સાયુજ્ય તે સૃષ્ટિ છે અને મુરલી જીવન છે. આપણે પણ ભગવાનનું એક વાદ્ય છીએ અને આપણી ફરજ છે કે મધુરતા જાળવી રાખીએ અને કલુષિતાનો ત્યાગ કરીએ.

shree krishna and flute

જો મુરલીના છિદ્રોને સંસારના દુ:ખોનું પ્રતિક ગણીએ તો જીવનમાં આવતી મુશ્કેલીઓનો સામનો કરીને જીવન સંગીત ઉત્પન્ન કરીએ. શ્રીકૃષ્ણનું પોતાનું જીવન પણ ક્યારેય મુશ્કેલીઓ વિનાનું નહોતું. જનમતા જ માતાનો વિયોગ અને ગોકુળમાં પણ કંસ મામાના ષડયંત્રો વચ્ચે ઉછેર, ગોકુળનો વિયોગ અને ગોકુળ છોડ્યા પશ્ચાત મૃત્યુ પર્યંત સંઘર્ષ ભર્યું જીવન. મહાભારતનું યુદ્ધ ટાળવાની મથામણ, અંતે યુદ્ધની વિભિષીકા, સંહાર, જીવનના ઉતરાર્ધમાં દ્વારકામાં યાદવાસ્થળી. કિન્તુ આવા વ્યથાજનક સંજોગો વચ્ચે પણ શ્રીકૃષ્ણ સ્થિતપ્રજ્ઞ રહ્યા અને તેમના આ સંઘર્ષ ભર્યા જીવન મધ્યે પણ મધુર જીવન સંદેશ રૂપી અમર ગ્રંથ ગીતાની જગતને ભેટ આપી. ગીતા અર્થાત સંગીતનું જ એક રૂપ.
આપણો કંઠ પણ ભગવાને આપેલી એક મુરલી જ છે ને? આપણને મળેલ આ મહામૂલી ભેટની કદર કરીને હમેશા મધુર અને સત્ય બોલતા રહીએ. કલેશ મટે એવું બોલીએ અને કલુષિત વાણીનો ત્યાગ કરીયે તો સહુ જિંદગીમાં અને ચોતરફ મધુરતા રેલાશે. આ પણ શ્રીકૃષ્ણની ભક્તિનું શ્રેષ્ઠ ઊદાહરણ છે.

તો ચાલો આ જન્માષ્ટમીએ આપણે પણ આપનું જીવન સુરીલું બનાવીએ અને જુગાર જેવી બદીઓનો ત્યાગ કરીએ……અસ્તુ.

2 thoughts on “શ્રીકૃષ્ણ અને વાંસળી

Leave a Reply

%d bloggers like this: