ચોમાસા માં મુલાકાત લેવા જેવા ગુજરાત ના 10 વોટરફોલ્સ

 

અષાઢ મહિનો આવે અને વર્ષા લાવે, માટી મહેકે અને મોરલા ગહેકે! આ ઋતુમાં લોકો બહાર નીકળવાનું ટાળે. જોકે ફરવાના શોખીનોને તો વર્ષાઋતુ પણ ન રોકી શકે. કેટલાક ટુરિસ્ટ સ્પોટ તો એવા છે કે ખાસ આવી ઋતુમાં જ ત્યાં ફરવા જવાની કોઈ અનોખી મઝા છે. ચોમાસુ આવે એટલે નદીઓમાં નવા નીર આવે અને કેટલાક ધોધ સજીવન થઈ જાય. ગુજરાતના  ધોધની માહિતી અત્રે પ્રસ્તુત છે જે મુસાફરીના શોખીનોને જરૂર ગમશે.

1 ગિરા ધોધ
દક્ષિણ ગુજરાતનો આ પ્રખ્યાત ધોધ ડાંગ જિલ્લામાં વઘઇ ગામ પાસે આવેલી અંબિકા નદી પર જોવા માટે ઘણા પર્યટકો આવતા હોય છે. અંબિકા નદી સાપુતારાથી નીકળીને બીલીમોરા પાસે અરબી સમુદ્રને મળે છે. વર્ષાઋતુમાં જ્યારે અંબિકા નદીમાં પાણીનો પ્રવાહ વધે છે ત્યારે આ ધોધ ઘણો જ રમણીય અને રૌદ્ર રૂપ ધારણ કરે છે, અને ધોધનું પાણી ઉપરથી પડે છે ત્યારે ખડકો સાથે અથડાઇને મેઘગર્જના જેવો ઘેઘુર રવ ઉત્પન્ન કરે છે. રોડ માર્ગે સુરતથી લગભગ 186 કી.મી.દૂર સાપુતારા જવાના રસ્તા પાર આવે છે. અમદાવાદ- મુંબઈ રેલ માર્ગ પર બીલીમોરા જંકશનથી બસ અથવા ખાનગી વાહન મળે છે. નજીકનું એરપોર્ટ સુરત છે.

2 બરડા ધોધ
દક્ષિણ ગુજરાતમાં જ પર્વતો અને ગીચ વનરાજીથી છવાયેલા લીલાછમ એવા ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાથી મહાલ તરફ જતાં 10 કિલોમીટરના અંતરે બરડા ધોધ આવેલ છે. મુખ્ય માર્ગથી માત્ર 30 મિનિટનો રસ્તો છે. ચનખલ ગામથી બરડા ધોધ જવું હોય તો ખેતરોમાં પંગદડીના માર્ગે ચાલતા જઈ શકાય છે. આ ધોધમાં વરસાદના પાણી ભરાતાં તેનું ભરપૂર વહેણ ધોધ ને નયનરમ્ય બનાવી દે છે. ઉંચેથી ખડકો પરથી વહીને સફેદ દૂધ જેવું પાણી નીચે તલાવડીમાં પડે છે. ધોધની આજુ બાજુ આવેલા ઉચાં ખડકો પરથી જોતાં ધોધનું દ્રશ્ય ઘણું મનમોહક લાગે છે. સુરત, બારડોલીથી વાયા ઊનાઈ થઇને અને મુંબઈથી આવતા સાપુતારા જવાના માર્ગ પર આહવાથી રસ્તો મહાલ તરફ ફંટાઈ છે.

3 ગીરમાળ ધોધ
ડાંગના ઉત્તર ભાગમાં આવેલા ગીરમાળ ગામે ગીરમાળ ધોધ આવેલો છે મહારાષ્ટ્રથી નીકળતી ગીરા નદી ડાંગ જિલ્લાના ગીરમાળ ગામે ડુંગરો ઉપરથી ધોધ સ્વરૂપે નીચે પડે છે. આ ધોધ અંદાજે 30 મીટરની ઉંચાઇ ધરાવે છે. ચોમાસામાં જ્યારે ગીરા નદીમાં પાણી વધે છે ત્યારે આ ધોધ સુંદર સ્વરૂપ ધારણ કરે છે. ચોમાસામાં આ ધોધ પૂષ્કળ પાણીના પ્રવાહ સાથે પડે છે. આ ધોધની સામે આવેલા ખડકો પરથી એનો અદભૂત ફોટોગ્રાફિક વ્યુ મળે છે.

4 ચીમેર અથવા ચીચકુંડ ધોધ
સોનગઢથી આહવા જતા માર્ગ પર દક્ષિણ ગુજરાતના ડાંગ વિસ્તારમાંજ આ ધોધ આવેલ છે, જે ચીમેર અથવા ચીચકુંડ તરીકે પણ ઓળખાય છે. લગભગ 300 ફિટની ઊંચાઇએથી પડતો આ પ્રવાહ ચોમાસામાં ઘણો સુંદર લાગે છે, અને મીની નાયગરાની યાદ અપાવે છે. નજીકના સ્થળો સાક્રી, પીપલનેર (મહારાષ્ટ્ર) અને સોનગઢ.

5 શંકર ધોધ
અમદાવાદ મુંબઈ રેલવે લાઇન પર વલસાડ જંક્શનથી ધરમપૂર રોડ રસ્તે આશરે 18 કિલોમીટર પડે છે. ધરમપુરથી આગળ બરૂમાળ થઇને વાઘવાળ ગામ પછીપગારબારી નેશનલ અભ્યારણ પાસે શંકર ધોધ આવેલ છે. આ ધોધ પાસે શંકર ભગવાનનું મંદિર હોવાથી શંકર ધોધ નામે પ્રખ્યાત છે. વિલ્સન હિલ નામનું એક પીકનીક સ્થળ ત્યાંથી 6 કિલોમીટર આગળ છે. નૈસર્ગીક સૌંદર્યથી ભરપૂર આ સ્થળની આસપાસ પણ બે ધોધ ગણેશ ધોધ અને બીલપુડી ગામ પાસે
જોડીયા ધોધ પણ મુલાકાત લેવા જેવા સ્થળ છે.

6 ઝરવાની ધોધ
નર્મદા જિલ્લામાં રાજપીપળાથી 28 કિલોમીટર કોલોની જવાના રસ્તા પાર ગરુડેશ્વર પહેલા શૂલપાણેશ્વર જવાનો ફાંટો પડે છે. ત્યાંની ગીચ ઝાડીઓ વચ્ચે ધોધથી એક કિ.મિ. પાર્કિંગ સુધી સુધી કાર માં જઈ શકાય છે. પછી ચઢાણ વાળા રસ્તા પર ચાલતા જવુંપડે છે. દૂરથી જ ઝરવાની ધોધની ઝલક દેખાવા માંડે છે. નીચે ધોધના વહેણ પાસે એકદમ સરસ પાણીનો કુદરતી સ્વિમિંગ પુલ જેવો પટ છે, ત્યાં સહુ પર્યટકો નાહવાની મઝા લે છે. ફોટોગ્રાફીના ચાહકોને પણ મઝા પડે એમ છે. એક વાર ચોમાસામાં આ સ્થળે જરૂર જવા જેવું છે. નજીકનું રેલ્વે સ્ટેશન અમદાવાદ મુંબઈ લાઈન પર અંકલેશ્વર જંકશન અને એરપોર્ટ વડોદરા છે.

7  હથની માતા ધોધ

ભારતના સૌથી સુંદર ધોધ પૈકીનો એક હઠણી માતા ધોધ 100 મીટર ઊંચો છે અને લીલા અને હરિયાળીવાળા પર્વતોથી ઘેરાયેલો છે, આ ધોધ પર ના ફૂલો અને ફ્લોરા નો ગોઠવણી ખડકો પર પડતા પાણીની સંગીતનાં મનોહર સુંદરતા, તમને અન્ય વિશ્વ પર લઈ જશે. હાથી માતા ધોધ જાંબુઘોડામાં, 30 કિ.મી. પાવાગઢથી અને વડોદરાથી આશરે 80 કિલોમીટર દૂર છે. ચોમાસાના વરસાદના દિવસો દરમિયાન જમ્બુઘોડાના સ્થળોની મુલાકાત લેવા જેવી છે. હથનીનું નામ સ્થાનિક આદિજાતિ સમુદાય દ્વારા ખડકમાંથી લેવામાં આવ્યું છે. આદિવાસી સમુદાય હથની માતામાં ખૂબ ભારપૂર્વક માને છે તેથી કેટલાક પ્રસંગોએ મેળાઓ પણ યોજાય છે, હથની માતા ઝરણાં યુવાનો અને સ્થાનિક સમુદાયોમાં ખૂબ જ લોકપ્રિય છે.

8 નિનાઇ ધોધ
નિનાઇ ધોધ અંકલેશ્વરથી નેત્રંગના રસ્તે આગળ ડેડીયાપાડાથી ફંટાઈને નર્મદા જિલ્લાના વિંધ્યા-સાતપુડા ગિરિમાળા ઘાટની વચ્ચે છેક મહારાષ્ટ્રની હદ પાસે આવેલ છે. નિનાઈ પાસે 200 પગથીયા ઉતાર્યા પછી આ ધોધના દર્શન થાય છે. વર્ષાઋતુ દરમ્યાન ધોધમાં પુષ્કળ પાણી હોય છે. શાંત નિ:શબ્દ વાતાવરણમાં ધોધનો મધુર સંગીતમય અવાજ ખુબ જ કર્ણપ્રિય લાગે છે. ધોધ નીચે એક ગુફા છે, જેમાં નિનાઈ માતાનું નાનકડું મંદિર આવેલ છે, પ્રવાસીઓ દર્શન કરે છે. ચોતરફ લીલી વનરાજી તેમજ સ્ફૂર્તિદાયક વાતાવરણમાં પર્યટકોનો થાક દૂર થઇ જાય છે. દર વર્ષે હજારો પ્રવાસીઓ અહીં કુદરતી સૌંદર્ય માણવા આવે છે.

9 ઝાંઝરી ધોધ
ઝાંઝરી ધોધ સાબરકાંઠા જિલ્લાના બાયડ તાલુકાના ડાભા ગામથી ૪ કિ.મી. દૂર ઝાંઝરી ગામ પાસે આવેલ છે.. ઝાંઝરી ગામ આગળ વાત્રક નદી પોતે ખડકોમાં થઈને ધોધરૂપે પડે છે. આ ધોધનો પ્રવાહ કુદરતી ધોધ સ્વરૂપે નીચે પડતો હોય ત્યારે ઘણું મનોહર દ્રશ્ય લાગે છે. જે પ્રવાસીઓ માટેઆર્કષણનું કેન્દ્ર બન્યું છે. આ કુદરતી સૌંદર્ય ધરાવતું સ્થળ છે. ઝાંઝરી ગામમાં ગંગેશ્વર મહાદેવનુંમંદિર છે, જ્યા શ્રદ્ધાળુ પ્રવાસીઓ દર્શન માટે આવતા હોય છે, તેમજ શાંત પરિસર પ્રકૃતિ પ્રેમીઓનેઆકર્ષે છે. આ સ્થળ પિકનીક માટે પણ પ્રવાસીઓનું માનીતું છે.

10 જામજીર ધોધ
જૂનાગઢ જિલ્લામાં ગીર પંથકમાં ઉના તાલુકા ખાતે કંસારીયા જામવાલા ગામ પાસે આવેલ જામજીર ધોધ લગભગ 12 મીટર ઊંચો છે અને એનું પાણી ઉપરથી નીચેની તરફ બે તબક્કામાં પડે છે. ચોમાસામાં શિંગોડા નદીનો પ્રવાહ ખુબ જ તાણ વાળું હોવાથી તે જોખમી છે અને અકસ્માતો પણ થયા છે. માટે મૂલાકાતીઓએ સાવચેત રેહેવું.ચોમાસુ ન હોયત્યારે પણ આ જગ્યા પીકનીક પોઇન્ટ તરીકે મશહૂર છે. નજીકના સ્થળો જૂનાગઢ,કોડીનાર,તાલાલા,કેશોદ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *