ચોમાસા મા લોકોના માનીતા : ભજીયા

જેવો ચોમાસાનો પહેલો વરસાદ પડે એટલે તેના આગમનને વધાવતા બાળકો જ નહિ, પણ સહુ અબાલવૃદ્ધનારીઓને ગુજરાતી ભાષાનું આ બાળગીત યાદ ન આવે એવું બને જ નહિ.

આવ રે વરસાદ, ઢેબરિયો વરસાદ,
ઉની ઉની રોટલી ને કારેલાનું શાક.

 

 

બાળપણમાં આ બાળગીતની પંક્તિઓ માં-બાપ અથવા શિક્ષકો પાસેથી સાંભળી હોય અને આપણાં બાળકોને પણ શીખવાડી હોય, તે દર વર્ષાઋતુમાં યાદ આવે જ છે. આ બાળગીતમાં વર્ષાઋતુમાં આરોગ્ય અંગે કાળજીની વાત રાખવાની પણ છુપાયેલી છે. ગુજરાતી લેક્સિકોન ડીક્ષનરી પ્રમાણે ઢેબરિયું એટલે ઢેબરાં સાથે લઈને યાત્રા એ નીકળેલો સંઘ. અહીં વરસાદ ઢેબરાં લાવ્યો એવો અર્થ સમજી શકાય. ચોમાસની આરોગ્યપ્રદ વાનગીઓ એટલે ઢેબરાં, કારેલાનું શાક અને રોટલો કે રોટલી અને તે પણ ઠંડા નહિ ગરમ જ ખાવા જરૂરી જેથી વ્યાધિઓથી બચાવ થાય. હસતા રમતા કેટલી સરસ વાત બાળગીતમાં કહી દીધી છે કે જે એક વાર સાંભળી હોય તો જીવનભર યાદ રહે અને લાઈફ સ્ટાઇલ પણ બદલાય જાય, પણ સમય બદલાયો અને લોકોની પસંદ બદલાઈ. હવે આધુનિક યુગમાં ઢેબરાં-રોટલા ગયા અને પિત્ઝા આવ્યા. કારેલાનું શાક ઢેબરાંનું સ્થાન ગયું અને ભજીયા આવ્યા. સામાન્ય રીતે, સમગ્ર વર્ષ દરમિયાન ખાણીપીણીમાં વડાપાઉં, ફાફડા-જલેબી, ખમણ ઢોકળા, પાતરા જેવા ફરસાણ પણ લોકો ખાતા હોય છે પણ વરસાદ આવે એટલે ભજીયાનું સ્થાન નાસ્તામાં રાજા જેવું થઇ જાય, અને ભજિયામાં પણ કેટલું વૈવિધ્ય હોય છે? મેથીના ભજીયા અથવા ગોટા, કાંદાના ભજીયા, તીખા તમતમતા મરચાના ભજીયા, પોઇના ભજીયા, અજમાના ભજીયા, બટાકા પુરી, રતાળુ પુરી. અરે! દૂધીની છીણના પણ ભજીયા બને છે, અને દક્ષિણમાં પ્રખ્યાત એવા કાચા કેળાના ભજીયા વગેરે વિવિધ રીતના ભજીયા બને છે. પ્રદેશે પ્રદેશે રેસિપીમાં થોડો ફેર હોય શકે પણ મૂળ ભજીયા સ્વરૂપ તો રહે જ છે.

 

 

ભજીયાની સાથે ચટણી ન હોય તો ખાવાની બિલકૂલ મઝા ન આવે. ચટણી પણ આમલીની, કોથમીર-ટામેટાની વગેરે વિવિધ જાતની હોય છે. ચટણી બનાવનારા નિષ્ણાતો પણ હોય છે. કેટલીક વાર તો ચટણીના કારણે જ ભજીયા વધારે વેચાતા કે ખવાતા હોય છે. આજકાલ ખાદ્ય પદાર્થોમાં ઘણા અખતરા થાય છે, જેમકે ક્યાંક મરચાની આઈસ્ક્રીમ વિષે વાંચ્યું હતું. હવે તો ટામેટાના ભજીયા પણ બને છે જે પહેલી વાર જાણનાર કદાચ ન માને પણ એકવાર ખાધા પછી માનવું જ પડે. સુરતની પાસે દરિયા કિનારે આવેલ ડુમસ ગામ એક પ્રખ્યાત હવાફેરનું સ્થાન છે. જ્યા સહેલાણીઓ રતાળુ પુરી ખાવા જતા, હવે ટામેટાના ભજીયા પણ ખાવા જાય છે, અને એકદમ સ્વાદિષ્ટ હોય છે. એ સિવાય બીજા સ્થળોએ અને શહેરોમાં પણ ટામેટાના ભજીયા બનતા હશે.

 

 

આમ તો ટામેટાના ભજીયા બનાવવા ઘણાં આસાન છે. સારી જાતના ટામેટા લઈને બરાબર ધોઈને સ્લાઈસ કરીને લીલા મરચાની પેસ્ટમાં બરાબર લસોટીને ઉપર ચાટ મસાલો છાંટીને મૂકી રાખવો. બેસન, રવો અને જરૂર પ્રમાણે મીઠું નાખીને મધ્યમ પાતળું ખીરૂ તૈયાર કરવું અને તેલમાં તળી લેવા. મોટી મોટી આંતર રાષ્ટ્રીય કંપનીઓ માર્કેટમાં પિત્ઝા, બર્ગર, ચાઈનીઝ ડીશીસ, ઠંડા પીણાં વગેરે લઈને આવી અને ઢેબરાં, થેપલા, છાસ, લીંબું શરબતનો વપરાશ ઓછો થઇ ગયો પણ ભજીયા હજી અણનમ છે. ભજીયાનો કોઈ વિકલ્પ નથી. હજી ભજિયાના ધંધામાં કોઈ મોટી કંપની એ ઝંપલાવ્યું હોય એમ લાગતું નથી. વડાપાઊં પણ ઘણા લોકો ખાય છે, પણ ભજીયાનો જવાબ નહિ. લાજવાબ! જોકે પાઊંની વચ્ચે જકડાયેલું વડુ પણ ભજીયાનો જ સહોદર કહેવાય.

 

 

સમાપન કરતા એટલું જ કહેવાનું કે વરસાદની મસ્ત મૌસમ જોરદાર,
લોકો છે સદાબહાર, ભજીયા ખાઓ અને ભજન ગાઓ.

 

Leave a Reply

%d bloggers like this: