Who is Draupadi Murmu! Welcome Madam President.

૧૯૭૦ નો દાયકો..ઓડીશાના મયુરભંજ જેવા પછાત વિસ્તારમાં લોકોની ભીડ જામી હતી..રાજ્યના મંત્રીઓ ,કલેકટર અને અન્ય મોટા અધિકારીઓ ગામની મુલાકાતે આવ્યા હતા..મિટિંગ ચાલુ હતી દરમિયાન એક નાનકડી દીકરી લોકોની ભીડ ચીરતી આગળ આવે છે અને કહે છે…સાહેબ મારે આપને એક વાત કરવી છે…!
આશ્ચર્ય સાથે મંત્રીજીએ અનુમતિ આપી…દીકરી એ કહ્યું કે સાહેબ મારે ભણવાની ખૂબ ઈચ્છા છે પણ અહીં અમારા ગામમાં બાળકીઓ માટે કોઈ સ્કૂલ નથી…આપ ભુવનેશ્વરની કન્યા શાળામાં મારો દાખલો કરાવી આપશો…?

મંત્રીજી એ કલેકટર સાહેબને આ બાળકીનો દાખલો કરાવી આપવાની જવાબદારી સોંપી….

લગભગ ૫૨ વર્ષ બાદ પ્રૌઢ અવસ્થાએ આ દીકરી પોતાના મયુરભંજના બે માળ અને છ કમરાના મકાનમાં જીવનના ઘણા ઉતાર ચડાવ જોઈ સંતોષકારક સામાજિક સન્માન મેળવી નિવૃત જીવન જીવી રહી હતી ત્યારે એક બપોરે ટીવી પર સમાચાર ચમકે છે કે…ભારતીય જનતા પાર્ટીએ દ્રૌપદી મુર્મૂને ભારતના ૧૬ માં રાષ્ટ્રપતિ ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે….!

હવે આ બે માળ છ રૂમનું મકાન છોડી ૩૩૦ એકરના રાષ્ટ્રપતિ ભવનમાં જવાનું છે એવું જાણી કેવી અનુભૂતિ થઈ હશે ? કદાચ બીજું કોઈ હોય તો એમ કહી શકાય કે એ ખૂબ ખુશ થયા હશે..આનંદમાં ઝૂમ્યા હશે..પણ દ્રૌપદી મુર્મૂનું જીવન જોતા લાગે છે કે એમને કાંઈ ફરક નહીં પડ્યો હોય…એમનો જન્મ જે એક રૂમની ઓરડીમાં થયો હતો ..ત્યાંથી બે માળ અને છ રૂમ સુધી પહોંચવાની કિંમત જિંદગી એ એમની પાસે એટલી વસૂલી છે કે ૩૩૦ એકરનું રાષ્ટ્રપતિ ભવન પણ ઝાજરમાન નહીં જ લાગે…!

કોલેજ સુધીનો અભ્યાસ પૂરો કર્યા બાદ દ્રૌપદી મુર્મૂનું એક જ સપનું હતું..સરકારી નોકરી ….એમને ખ્યાલ હતો કે સરકારી નોકરી મળી જશે તો પરિવારની હાડમારી દૂર થશે…અને એમણે સિંચાઈ વિભાગમાં કારકુન તરીકે નોકરી પણ મેળવી લીધી..સમય વીતતા બેન્ક અધિકારી સાથે લગ્ન થયા..બાળકો થયા…સાસરી પક્ષના કહેવાથી બાળકોની જવાબદારી સંભાળવા નોકરી છોડી…બાળકો મોટા થયા ત્યાર બાદ એમને વિચાર આવ્યો કે હું આટલું ભણી છું એ પણ સરકારની સહાયથી તો મારે એ ઋણ ચૂકવવા કામ કરવું જોઈએ..એમણે એક શાળામાં માનદ શિક્ષક તરીકે સેવા આપી…એટલું ઉત્તમ પરિણામ આપ્યું કે એમની કીર્તિ અને નામ બને આસપાસના વિસ્તારમાં ફેલાઈ ગયા..આ રીતે સામાજિક સેવાના અન્ય કાર્યોમાં પણ દ્રૌપદી મુર્મૂ જોડાયા ..ત્યાર બાદ સૌ પ્રથમ બીજેપી અને બીજું જનતા દળના ગઠબંધનના સમયમાં કૉપોરેટર ની ચૂંટણી લડ્યા અને જીત્યા … આગળ જતાં બે વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા અને મંત્રી પણ બન્યા…૨૦૦૯ માં તેઓ ચૂંટણી હારી ગયા…સરકારી મકાન ખાલી કરવું પડ્યું..મંત્રી રહ્યા હોવા છતાં આર્થિક સ્થિતિ ખરાબ હતી…એ જ વર્ષે એમણે પોતાનો ૨૫ વર્ષનો દીકરો બીમારીને કારણથી ગુમાવી દીધો…તેઓ ડીપ્રેશનનો શિકાર બન્યા…ગામના લોકોએ કહ્યું આ હવે મરી જશે….આ જ અરસામાં તેઓ આધ્યાત્મના રસ્તે બ્રહ્માકુમારીના માધ્યમથી વળ્યા…૨૦૧૩ માં એમનો બીજા દીકરો પણ રોડ એક્સીડેન્ટમાં મૃત્યુ પામ્યો..આ જ વર્ષે એમની માતા અને ભાઈનું પણ મૃત્યુ થયું…એક બાદ એક સ્વજનને આમ નજર સામે ખરી જતા જોઈ …શું ગુજરી હશે એમના પર..? એમણે પોતાની જાતને કેમ સંભાળી હશે…?

કુદરતના આટલા પ્રહાર ઓછા હોય એમ થોડા વર્ષો બાદ એમના પતિનું પણ અવસાન થયું…સમય વીતતા મેડિટેશનના માધ્યમથી દુઃખો ભુલાવી સ્વસ્થ થયા બાદ તેઓ ફરી જાહેર જીવનમાં એક્ટિવ થયા…૨૦૧૫ માં ઝારખંડના રાજ્યપાલ તરીકે નિમણૂક થઈ…આમ તો રાજ્યપાલ ને પાળેલો પોપટ માનવામાં આવે છે પણ દ્રૌપદી મુર્મૂએ અયોગ્ય કાયદા વખતે સહી કરવાની ચોખ્ખી ના પાડીને એ સાબિત કરી ચુક્યા છે કે એ એક રબર સ્ટેમ્પ રાજ્યપાલ નથી…

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં લગભગ ૬૦ ટકા મતદાન એમની તરફેણમાં થયાનું અનુમાન છે…બાકીની ઔપચારિકતા પુરી થયા બાદ આ દેશના પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ ભવનમાં પગ મુકશે..

સમયના સપાટે …સંઘર્ષના સમુદ્ર ઉલેચ્યા બાદ…અહીં પહોંચાયું છે…એનો આનંદ ચોક્કસ હશે..પણ પોતાના પાસે નથી ક્યાંક આંખના ખૂણે એ વાદળ પણ વરસતું હશે…..!

મને નથી લાગતું કે ભારતમાં મહિલાઓ માટે આનાથી મોટો આદર્શ કોઈ હોઈ શકે…મહિલા સશક્તિકરણનો જો કોઈ સિમ્બોલ રાખવાનો હોય તો ત્યાં દ્રૌપદી મુર્મૂની તસવીર મૂકી દેવી જોઈએ….

🙏 સ્વાગત છે મેડમ પ્રેસિડેન્ટ….! 🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *