છગન રોન – 2

છગન રોન જંગલમાં ગયો એના દસેક વર્ષ પછી મુંબઈના દરીયા કાંઠે એક લાશ મળી આવી અને એ લાશની ઓળખ માટે અમરેલીના રામપુર ગામના સભ્યોને બોલાવવામાં આવ્યા હતા.

છગનના મિત્રો જાણે ડઘાઈ જ ગયા કેમ કે છગન ને જોયો એનો એક દાયકો વીતી ગયો હતો. દરેકના પેટમાં ફાળ પડેલી હતી. લાશના પેન્ટના ખીચ્ચામાંથી મળી આવેલી ડાયરીના પહેલા પાને એડ્રેસ લખ્યું હતું જે આ રામપુરનું હતું. મિત્રો બધા પહોંચ્યા અને પોલીસ સ્ટેશનમાં ઓળખ માટે ગયા.


દશ વર્ષ પહેલાં…

છગનને હવે જીવવાનું કોઈ ધ્યેય નહોતું લાગતું. ખુલ્લા પગે એ જંગલમાં ગયો. વિસ જેટલા દિવસ જંગલના પ્રાણીઓ સાથે વિતાવ્યા. છતાં કાંઈ જ નવું ના અનુભવાયું. કેળના પાંદડાની પથારી પર સૂતી વખતે દરેક સેકન્ડે બાપ અને બહેનનો ચહેરો દેખાતો. એકલતા અને વિચારોના ખારા સમુદ્ર એ માનસિક રીતે બે દુશ્મન બનાવી લીધા હતા. બાપના મોત માટે સગાભાઈને અને બહેનના મોત માટે ભગવાનને. જે વ્યક્તિને પોતાની જિંદગીમાં જ રસ નહોતો રહ્યો એ વ્યક્તિને હવે ભગવાનનો પણ શેનો ડર…?

ત્રણ થી ચાર વાર અલગ અલગ રીતે પોતાની જાતને મૃત્યુ સાથે મેળાપ કરાવવાની કોશિશ કરી પણ નિષ્ફળતા જ મળતી. છગને પછી નક્કી કર્યું કે હવે જે થાય એ જોયું જશે પણ મરવું નથી.

ચીંથરેહાલ વેશ, ઘાટઘૂંટ વિનાની લાંબી દાઢી-મૂછ, નાહ્યા વિનાનું શરીર. કોઈ ફકીરની વેશભૂષા ધારણ કરી હોય એમ લાગતું હતું. ચાલવાનું ચાલુ કર્યું. જિંદગીના બધા નિયમોને નેવે મુકી દીધા હતા. વાયદા અને શપથ ધીમે ધીમે હકીકત સામે હારતા જતા હતા. માનસિક ક્રોધના કારણે હંમેશા શંકરની જેમ લાલ આંખો રહેવા લાગી. જે મળે તે ખાઈ લેતો. જગ્યા જુએ ત્યાં સુઈ જતો. નદી દેખાય તો ડૂબકી મારી આવતો. હકીકતની જિંદગીના એડવેન્ચર પાર્કમાં ટહેલતો ટહેલતો છગન મુંબઇ પહોંચ્યો.

માયાનગરીનો ઝગમગાટે છગનની આંખોને આંજી દીધો. અંધારા ગામમાં રહેવા ટેવાયેલા છગને એક સાથે આટલી લાઈટો ક્યારેય જોઈ નહોતી. સુખ પણ જીવનનો એક ભાગ છે એની પ્રતીતિ છગનને થવા લાગી. આવડત વગર કરવાનું શું…? અંગત ખર્ચ તો નહિવત હતો એટલે કમાવવું જ પડશે, એવો વિચાર સુધ્ધાં નહોતો આવતો. દુઃખોની દીવાલની બીજી તરફ છગન પહોંચી ગયો હતો. ઘણો લાંબો વિચાર કર્યો અને ફરી પત્તો યાદ આવ્યો.

આમ પણ જે કામમાં માસ્ટરી અને મજા બંને હોય એ કરવામાં જ ખુશી મળતી હોય છે. ઘણી વાર થયું કે બહેનને આપેલા કોલ નું શું? અને એમ પણ થતું કે જેના માટે જીવતો એ ક્યાં કોઈ જીવતા છે? મૃત્યુ પછીના બોનસમાં જીવતો હતો. ચાલુ કર્યું ફરી જમાવટના પત્તાનું… પહેલા થોડા દિવસ એક પૈસાદાર શેઠને ત્યાં નોકર તરીકે નોકરી કરી. જે થોડા ઘણા પૈસા ભેગા થયા તેમાંથી પહેરવાના નવા કપડાં અને પોતાની જાતને ચોખ્ખી દેખાડવામાં ખર્ચ કર્યા.

બચેલા નજીવા પૈસા લઈને એક પબમાં જઈને થોડા લોકોના કોન્ટેક્ટ કર્યાં. ચાલુ કરી બાજી તિકડમની… હરિના બારેય હાથ માથા પર તો હતા જ. એક દિવસમાં ડબલ. કોઈ શક્તિ બંધ પન્નામા રહેલા આંકડાને આરપાર બતાવતી હતી. સાદગી ભર્યું જીવન અને દુઃખોનો ટોપલો. નહોતો સન્માનનો મોહ કે નહોતો અપમાનનો ભય. જીતની ખુશી પણ વ્યક્ત નહોતો કરી શકતો. થોડા દિવસો થાય એટલે કોઈ છગન સામે રમવા તૈયાર નહોતું થતું. છગન પણ પાક્કો કારીગર બની ગયો હતો. એમ લાગે કે કોઈ રમવાની ના પાડશે એ પહેલા જ જગ્યા બદલી નાખતો. આમ પણ માયાનગરી ઘણી મોટી છે. જગ્યા બદલતો રહેતો અને પૈસાને એ જગ્યા જેટલા જ ગુણાકારમાં બનાવતો રહેતો.

પુષ્કળ ધન ભેગુ કર્યુંએક મોટું મકાન લીધું, કાર ખરીદી, ઘણા બધા ધંધામાં પૈસાનું રોકાણ કર્યું. થોડા વર્ષોમાં નામાંકિત ઉદ્યોગપતિમાં નામ ગણાવા લાગ્યું. છગન રોન હવે છગન શેઠ બની ગયા. આટલા પૈસા કમાઈને પણ મનને શાંતિ નહોતી મળતી. દિવસ રાત વિચારતો કે એવું શું કરું જેથી આત્મા તૃપ્ત થાય. બનેલી દરેક દર્દનાક ઘટના એક ડરાવનું સપનું બનીને સતાવ્યા કરતુ. અચાનક એક દિવસ સવારે વિચાર આવ્યો કે જે કારણથી કિંજલનું મૃત્યુ થયું એ થવું ના જોઈએ. એમને એક મોટું હોસ્પિટલ બનાવવાનું નક્કી કર્યું. પરમિશન પાસ થતા જ એક સારા વિસ્તારમાં બધી સુવિધા ધરાવતું આલીશાન હોસ્પિટલ બનાવ્યું. પછી તો ઘણા સારા કર્યો કર્યા. લોકોના મનમાં એક ઉમદા માણસ તરીકેની છાપ ઉભી થઇ ગઈ હતી.

હોસ્પિટલમાં કામ કરતા દરેક ડોક્ટરોનું ઇન્ટરવ્યૂ છગન પોતે લેતો. કેમ કે જે વ્યક્તિ પૈસા કરતા કામ ને વધુ મહત્વ આપી શકે એમને જ એન્ટ્રી મળતી. અચાનક એક દિવસ એમનો ભાઈ, ચંદનને ઇન્ટરવ્યૂની લાઈનમાં ઉભેલો જોયો. એક અજ્ઞાત બદલાને પોતાની તરફ આવતા જોયો. કોઈ જ ખુશી વિના એમને પણ એ સવાલો જ પૂછ્યા જે દરેક ને પુછાતા હતા. ચંદનને નોકરીએ રાખી લીધો. એમની કોઈ જ કહાનીમાં છગને રસ ના દાખવ્યો. એમની પડતી કઈ રીતે આવી, પત્ની કેમ ઘર છોડીને ભાગી ગઈ, કોઈ દીકરા દીકરી છે કે નહીં… કોઈ જ સવાલ નહીં. નોકરી આપી, ડોક્ટરોને રહેવા માટે જે ઘર અપાતું એ આપ્યું.

એક વાર ચંદન, છગનને મળવા એમની કેબીનમાં ગયો. ખુબ રડ્યો, પોતાની આપવીતી કહી, ખુબ કરગર્યો. પણ છગનના મોં પરની એક રેખા ના બદલાઈ. ચંદનને જોતા જ એમને એમનો બાપ યાદ આવતો, એમની તરસતી આંખો દેખાતી, એમના પર થયેલું અપમાન દેખાતું. માફ તો એ કરી શકે એમ નહોતો જ.  છગન શેઠ તો આ બધી મોહ-માયાથી પર થઇ ગયો હતો. ચંદન આ જીરવી ના શક્યો. એક રાત એ બંને ભાઈઓ વચ્ચે રહેલા આર્થિક અને માનસિક તફાવતના કારણે ઉપજેલા તણાવના કારણે દરિયા કિનારે જઈને દારૂ પીવાનું ચાલુ કર્યું. લથડિયાં ખાતા પગ દરિયાના પાણીને દાદ ના આપી શક્યા અને સવારે ન્યુઝ માં આવ્યું કે રામપુરના એક વ્યક્તિનું દરિયામાં ડૂબવાથી મૃત્યુ થયું છે.


મિત્રો આવ્યા અને ચંદન ભાઈને ઓળખી ગયા. બધું કામ પતાવીને બધા મિત્રો પહોંચ્યા છગન શેઠની ઓફિસે. છગને પણ આ સમાચાર સાંભળ્યા હતા પણ કઈ જ ફરક નાપડતો હોય એમ પોતાનું કામ કરતો હતો. છગને બધા મિત્રોને જોયા એટલે તરત દોડીને કૃષ્ણ સુદામાને ભેટે એમ ભેટીને રડી પડ્યો. આટલા વર્ષ સુધી છગન કેટલુંય મનમાં લઈને ફરતો હતો. પોતાની વાત કરવી પણ કોને. આ એ મિત્રો હતા જે દરેક સુખ દુઃખમાં પોતાનો હિસ્સો ભૂલ્યા વિના આપતા જ. એ દિવસે મિત્રોને બધી જ ઘટનાઓ કહી, ભિખારી જેવા હાલ થી લઈને શેઠ બનવાની સફર સુધી. ક્યાંક હસી લેતો તો ક્યાંક ધ્રુજકે ધ્રુજકે રડી પડતો, બધા મિત્રોને રોક્યા અને આખું મુંબઈ ફર્યા. એ ભગવાન અને એમના ભાઈને પોતાના દુશ્મન માનતો. એક ને તો એમની સજા મળી ગઈ. વારસો પછી છગન ખુબ જોશ થી પોતાના બચપણની વાત કહેતા હસ્યો હતો. પોતાના બંગલાની બાલ્કનીમાં ઉભા રહીને તે દીવસે આકાશ તરફ આંગળી ચીંધતા છગને ભગવાન ને કહ્યું, ‘જા, તને છોડી દીધો….’

Stroy By : Azad

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *