શ્રાવણ મહિનાનું મહત્વ

ભારતીય પંચાગ પ્રમાણે વર્ષના દરેક મહિનાઓનું કોઈ ન કોઈ ધાર્મિક મહત્વ છે, પરંતુ શ્રાવણનું મહાત્મય વિશેષ છે. આ જ મહિનામાં શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ દિવસ હોવા છતાં પુરો મહિનો ભગવાન શિવનો મનાય છે. આ મહિનો શિવ ભગવાનને ઘણો પ્રિય છે. આ મહિનામાં ઉપવાસ અને શિવ પુજાનું અનેક ગણું પુણ્ય મળે છે. શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારથી મુહૂર્ત પ્રમાણે ઘણા ભક્ત નર નારીઓ સોળ સોમવારના ઉપવાસની શરૂઆત કરે છે. આ મહિનામાં નદીઓમાં નવા નીર આવે છે. અષાઢ મહિનામાં સંતૃપ્ત થયેલ ધરતીમાં ખેડૂતો બીજારોપણ કરે છે, વનસ્પતિઓને અંકુર ફૂટે છે. વર્ષાઋતુનો બીજો મહિનો હોવાથી શ્રાવણ મહિનામાં ઉપવાસ કરવો સ્વાસ્થ્યની જાળવણી માટે, આર્યુવેદની દ્રષ્ટિએ પણ યથાયોગ્ય છે.

મહાદેવના પત્ની શ્રી સતીએ તેમના પિતાશ્રી દક્ષના યજ્ઞ પ્રસંગે પોતાના પતિને આમંત્રણ ન હોવાથી ક્રોધિત થઈને અગ્નિમાં કુદીને પોતાની આહુતિ આપી હતી અને હિમાલય પુત્રી પાર્વતી સ્વરૂપે પુનર્જન્મ લીધો હતો, અને ભગવાન શિવને પ્રાપ્ત કરવા શ્રાવણ મહિનામાં આકરાં અપવાસ કર્યા હતા, જેની ફળશ્રુતિ રૂપે શિવ ભગવાને પ્રસન્ન થઈને પાર્વતી માતાનો પત્ની તરીકે સ્વીકાર કર્યો. આ પ્રસંગથી પ્રેરણા લઈને કુંવારીકાઓ મહાદેવ જેવા ગુણવાન પતિની પ્રાપ્તિ માટે આ મહિનામાં ઉપવાસ કરે છે. એક માન્યતા અનુસાર શિવ ભગવાને આ મહિનામાં કૈલાસ પર્વતનું સ્થાન છોડી પૃથ્વી પર વિચરણ કરવા આવે છે અને ક્ષીરસાગરમાં ચાર મહિના નિવાસ કરે છે.
શિવલિંગ પર જળાભિષેક, બિલ્વપત્રાભિષેક, મધ તથા દૂધનો અભિષેક કરાય છે. રુદ્રી, હોમાત્મક રુદ્રી જેવાં પુજન-અર્ચના, શિવ મહિમ્ન સ્ત્રોત, શિવ તાંડવ સ્ત્રોત, શિવ પંચાક્ષર સ્ત્રોત અને શિવ ચાલીસાનું પઠન કરવામાં આવે છે. સુર્યોદય પૂર્વે નદીમાં સ્નાન કરવું પુણ્યશાળી માનવામાં આવે છે.

જળાભિષેક માટેની એક કથા એવી છે કે સમુદ્ર મંથન વેળાએ અમૃતની સાથે હળાહળ વિષ નિકળ્યું જેના અગ્નિ જેવા તાપથી દેવો, દાનવો અને સમગ્ર સૃષ્ટિ ત્રાહિમામ પોકારી ગઈ. શિવ ભગવાને વિષ ગ્રહણ કરી કંઠમાં રોકી દીધું તેથી એમનું ગળું નીલા રંગનું થઈ ગયું ત્યારથી તેઓ નીલકંઠ કહેવાયા. કિન્તુ એ હળાહળ વિષના તાપથી શિવ ભગવાન અસ્વસ્થ થઈ ગયા તો દેવો, દાનવો અને અન્ય ભક્ત ગણોએ એમના પર ગંગાજીના શીતળ જળનો અભિષેક કરીને અગ્નિ શાંત કર્યો, માટે જ શિવાલયમાં શિવલિંગ પર સતત જળાભિષેક થતો હોય છે.

શ્રાવણ મહિનાના થતી વર્ષાની એક વિશેષતા એ છે કે જાણે જળાભિષેક થતો હોય તેમ આકાશથી પાણી પડતું હોય છે, જેને લોકો શ્રાવણના સરવરિયા કહે છે. આ કારણથી પણ શિવ ભગવાનને શ્રાવણ વધુ પ્રિય છે.
આ મહિનામાં ભાઈ બહેનોનો પવિત્ર તહેવાર રક્ષાબંધન આવે છે. બહેન ભાઈને રાખડી મોકલાવે છે અને ભાઈ વીરપસલી આપે છે.
શ્રાવણ સુદ પુનમને નાળિયેરી પુનમ કહેવાય છે. દરિયાકિનારે રહેતા લોકો જેઓ દરિયા દેવને માનતા હોય છે અને જેમનો કારભાર વેપાર દરિયા થકી હોય છે, તેઓ દરિયાને નાળિયેર ચઢાવે છે.
શ્રાવણ વદ આઠમે જન્માષ્ટમી આવે છે, જે વિષ્ણુ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ દિવસ છે. શેરીમાં ઊંચે મટકી બાધવામાં આવે છે, જેને યુવાનો પિરામિડ બનાવીને તોડે છે. ઘેરૈયા રાસ રમે છે. કોઈ કાળી બિલાડીનો વેશ લે છે, જે જોઈને બાળકોને રમુજ થાય છે.

એકાદશી, પ્રદોષ, પુનમ અમાસ વગેરે શિવ ભગવાનની પ્રિય તિથીઓ છે. એટલે એ તિથીઓમાં ખાસ ઉપવાસ કરવામાં આવે છે જેનું પુણ્ય ઘણું વધારે હોય છે. મહારુદ્રભિષેક કરનારને અશ્વમેઘ યજ્ઞ જેટલું પુણ્ય મળે છે.
આવા ઉત્સવોના સંગમ સમા શ્રાવણ માહિનાનું મહત્વ અદકેરું છે, એ ભક્તિ ઉપવાસનો મહિનો છે અને મન શુદ્ધિ, તન શુદ્ધિનો મહિનો છે. અસ્તુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *