સમય કેટલો બદલાઈ ગયો છે !!

 

 

30મી જૂલાઈ 1947 ના રોજ ઓસ્ટ્રિયામાં જન્મેલા વિખ્યાત બોડી બિલ્ડર, અભિનેતા અને બે વખત કેલિફોર્નિયાના ગવર્નર રહી ચૂકેલા આર્નોલ્ડ શ્વાર્ઝેનેગરે પોતાની જ પ્રસિદ્ધ કાંસ્ય પ્રતિમાની નીચે પોતે શેરીમાં સૂતેલા હોવાનો એક ફોટો પોસ્ટ કરી એની નીચે લખ્યું, “સમય કેટલો બદલાઈ ગયો છે !!!” તેમણે જે વાક્ય લખ્યું તેનું કારણ એ હતું કે જ્યારે તેઓ કેલિફોર્નિયાના ગવર્નર હતા ત્યારે તેમણે તેમની પ્રતિમા સાથેની એક હોટલનું ઉદ્ઘાટન કર્યું હતું. તે સમયે, હોટેલ માલિક અને સ્ટાફ આર્નોલ્ડની આસપાસ ફરતાં રહેતાં અને કહેતાં, “કોઈપણ સમયે તમે આ હોટલમાં આવીને રહી શકો છો. તમારા માટે અહીં એક રુમ કાયમને માટે અનામત રાખવામાં આવશે.” જ્યારે આર્નોલ્ડે ગવર્નર તરીકેનું પદ છોડ્યું અને હોટેલમાં ગયા ત્યારે, વહીવટીતંત્રે એવી દલીલ કરી દીધી કે તેમણે રુમ લેવો હોય તો તેના માટે ચૂકવણી કરવી જોઇએ, કારણ કે આ હોટલની ડીમાન્ડ બહુ વધી ગઈ છે.. આર્નોલ્ડ સ્લીપિંગ બેગ લાવ્યાં અને પ્રતિમાની નીચે જ સૂઈ ગયાં. તેઓ આમજનતાને એવો મેસેજ આપવા માંગતા હતા, ” જ્યારે હું એક મહત્વના પદ પર હતો ત્યારે તેઓ હંમેશા મારા વખાણ કર્યા કરતાં અને જ્યારે મેં એ પદ ગુમાવ્યું ત્યારે તેઓ મારા વિશે બધું જ ભૂલી ગયા અને તેમનું વચન પણ યાદ ન રાખ્યું.” દોસ્તો, આપણાં પદ પર અથવા આપણાં નાણાંની રકમ પર વિશ્વાસ કરવા જેવો નથી. આપણી શક્તિ, કે આપણી બુદ્ધિ પણ કાયમી નથી. આપણું પદ કે પ્રતિષ્ઠા મહત્વનું હોય ત્યારે દરેક વ્યક્તિ આપણી મિત્ર હોય છે. પરંતુ, એ જ પદ, પ્રતિષ્ઠા કે પૈસા ન રહે ત્યારે કોઈ આપણી પાસે ફરકતું પણ નથી. એટલે, “મારી પાસે આજે જે કંઈ છે એ બધું જ કાયમી છે એવું માનવાની ભૂલ કદી ન કરવી !!”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *