અલૂણાં અને જયાપાર્વતી વ્રત તથા તેનું હિન્દુ સમાજમાં મહત્વ.

 

અષાઢ સુદ અગિયારસથી તરૂણીઓ માટેનું જ્યા અથવા વિજ્યા પાર્વતી વ્રત અને તેરસથી બાલિકાઓ માટે મોળાક્ત વ્રત જેને અલૂણાં અથવા ગૌરી વ્રત પણ કહેવાય છે, તે શરૂ થાય છે. આપણી સંસ્કૃતિમાં તહેવારો સમાજ જીવનની રહેણી કારની સાથે વણાઈ ગયેલા છે અને એ તહેવારોનો મુળભૂત હેતુ સમાજના માળખાને વધુ સુદઢ બનાવવાનો હોય છે.

 

 

અલૂણાં વ્રત વખતે બાલિકાઓ સાડી પહેરે છે, અને પાંચ દિવસના અપવાસ કરે છે, સંધ્યા પછી જ ખાઈ શકાય છે, ભોજનમાં ફરાળ દૂધ દહીં, ફ્રુટ જ્યુસ, ડ્રાયફ્રુટ અને ફક્ત લુણ અર્થાત મીઠા વગરનું ભોજન લઇ શકાય છે. આમ ભાવિ ગૃહજીવનમાં શું શું મુશ્કેલીઓ આવવાની શક્યતા હોય તેનો ચિતાર બાલિકાઓને આવે છે. તદુપરાંત વ્રતના પાંચ,સાત કે નવ વર્ષની અવધિ દરમિયાન બાલિકાઓના મનમાં એવી વિભાવના ઉત્પન્ન થતી જાય છે કે આ વ્રત સંપૂર્ણ થવા સુધીમાં તેઓને સાંસારિક જવાબદારીઓ ઉઠાવવા માટે પણ સજ્જ થવાનું છે. પરોક્ષ રૂપે કેળવણી થાય છે.

સામાન્ય રીતે વ્રતની શરૂઆત કરતા પહેલા માટીના વાસણમાં ફળદ્રુપ માટી ખાતરનું મિશ્રણ ભરીને જુવાર, ઘંઉ, મગના જ્વારાનું રોપવામાં આવે છે. પાંચ દીવસમાં જ્વારા ઊગી જાય છે. જયાપાર્વતી વ્રતમાં પાંચ દિવસ સુધી નિત્ય જ્વારાનું અને કાંઠાગોરનું પૂજન કરવામાં આવે છે. રૂ નો હાર જેને નાગલા કહેવાય તે જ્વારાને નિત્ય અર્પણ કરવામાં આવે છે. મા પાર્વતી પાસે વિવાહિત બહેનો અખંડ સૌભાગ્યની તેમજ કુંવારી કન્યાઓ મહાદેવ જેવા સર્વ ગુણ સંપન્ન પતિ મળે એવી અભ્યર્થના કરે છે. આ વિધિથી સમયપાલન, ફરજ પાલન અને જવાબદારીની ભાવના બળવત્તર બને છે.

પાંચ દિવસ પછી જ્વારાની પૂજા, આરતી કરીને નદીમાં આવેછે, મંદિરમાં જઇ મા પાર્વતીની પૂજા આરાધના કરવામાં આવે છે, અને મીઠું અને લોટની સામગ્રી બનાવીને ખોરાક લઇને વ્રત પૂર્ણ કરવામા આવે છે. પ્રદેશોના સ્થાનિક પ્રમાણે આ વિધિમાં થોડો ઘણો ફેરફાર હોઈ શકે છે.

વ્રતના અંતિમ દિવસે રાત્રી જાગરણ કરવામાં આવે.છે, જેનું એક અલાયદું જ મહત્વ છે. જાગરણ એક પ્રતિક રૂપે કરાય છે, જેમાં જીવનમાં આવતા લોભ, લાલચ, ડર, છળ વગેરે પ્રત્યે આંતરમનને જાગૃત રાખવાની ભાવના હોય છે, જાગરણમાં ધૂન, ભજન, કીર્તન, ઉપાસના અને જાપ વગેરે કરવામાં આવે છે. આ છેલ્લા દિવસે બાલિકાઓ અને વિવાહિત મહિલાઓ વ્રત સફળતાપૂર્વક પૂર્ણ થયું હોવાથી તેઓ અને કુટુંબીજનો ઉલ્લાસમાં હોય છે અને મહોલ્લા, ગામ કે શહેરભરમાં એક ઉત્સ્વપુર્ણ વાતાવરણ રચાઈ જાય.

આ વ્રત સામાન્ય રીતે પાંચ વર્ષ માટે રાખવાના આવે છે પણ સાત કે નવ વર્ષ સુધી રાખનારા શ્રદ્ધાળુઓ પણ હોય છે. કુમારિકાઓના અલૂણાં વ્રત પુરા થતા પહેલા લગ્ન થઇ જાય તો પણ વ્રતની અવધિ (પાંચ, સાત અથવા નવ વર્ષ) પુરી કરવામાં આવે છે. આ અવધિ પૂર્ણ થયા પછી અલૂણાં ઉજવાય છે. ઉજવણી વેળા મા જગદંબાની આરાધના કરવામાં આવે છે, કેમકે મા જગદંબા અખંડ સૌભાગ્યના દાતા છે, સારો પતિ પણ માની પ્રસન્નતાથી જ પ્રાપ્ત થાય છે, એટલે સ્ત્રીઓ તથા બાલિકાઓ માના આશિર્વાદ મેળવવા માટે આવા વ્રત કરે છે. પછી ‘પાંચ ગોરાની માતા’ એટલે કે કુમારિકાઓને જમાડવામાં આવે છે અને ભેટ-સોગાદ આપવામાં આવે છે.

જ્યાં પાર્વતી વ્રત કે જે વિવાહિત મહિલાઓ દ્વારા રાખવામાં આવે છે તેની ઉજવણીમાં શિવ-પાર્વતીની પૂજા કરવામાં આવે છે. કેમકે તેઓને શ્રેષ્ઠ દંપતી માનવામાં આવે છે. પછી પાંચ દંપતીઓને જમાડવામાં આવે છે અને ભેટ આપવામાં આવે છે.

સમાપન કરતા એટલું જ કહેવાનું કે પુરુષોને આવા કોઈ વ્રતો કરવા પડતા નથી કારણ કે સ્ત્રીઓ સ્વયં શક્તિ સ્વરૂપ અને પાર્વતી ગૌરીનું સ્વરૂપ જ હોય છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *