101 નોટ આઉટ

ઓલ્ડ મેન એન્ડ ધ કોરોના સી.

સ્પેન, ઇટાલી ને સુપરહીરોઝના વતન એવા અમેરિકામા જે ઝડપે કોરોનાપ્રકોપ અને કેઝ્યુઅલ્ટીઝ ( મોત ) વધે છે એ જોતાં ભારતમાં એ ઝપાટો ન આવે એની પ્રાર્થનાઓ વધી ગઈ છે. એમાં ય ઇટાલીમાં તો ચીનથી વધુ જીવ કોરોનાસુરે કબજે કર્યા છે. ગઈ કાલે ત્યાં ફરી હાઇએસ્ટ ડેથ ટોલ નોંધાયો. સાડા નવસો જેટલો !

પણ ઇટાલીમાં સૌથી ખરાબ હાલત જે રિમની વિસ્તારની છે , ત્યાંથી જ એક *’જયકારા સમાચાર’* આવ્યા છે. લેડી મેયરે જણાવ્યું કે, ઇમ્યુનિટી ડાઉન હોય ને મોટી ઉંમરના વૃદ્ધોને જેની હજુ કોઈ દવા નથી એવા કોરોનામાં સર્વાધિક જીવ ગુમાવવા પડે છે, એવા સમયે હૉસ્પિટલમાં ચમત્કાર થયો છે !

ના પ્રભુ નથી પ્રગટ થયા વેટિકન પડખે હોવા છતાં. પણ હોસ્પિટલમાં કોવિડ19 પોઝિટિવ ઇન્ફેક્શન સાથે દાખલ થયેલો એક દર્દી સાજો થઈ એને તેડવા આવેલા પરિવાર સાથે ઘરભેગો થઈ ગયો છે. એમાં શું નવું, એ ય પણ રોજિંદા સમાચારો છે, એવું તમને થાય તો જાણી લો કે એ દર્દી 101 વર્ષના , હા પુરા 101 વર્ષના દાદાજી હતા ! હતા નહિ, છે. હજુ ય અડીખમ છે. કોરોનું વળગી ગયું પછી ય કોઈ સારવાર ઉપચાર નથી તો ય છે. એમણે ઠાઠથી વાઇરસને કહી દીધું કે ‘ મારે હજુ મરવાની ઉતાવળ નથી. જીવન મારું પૂરું તારા કહેવાથી તો નહીં જ કરું. જા થાય એ કરી લે. ઉપડ અહીંથી. ઘર ભૂલ્યો તું. ચલ ફુટ, બુઢા હોગા તેરા બાપ. ‘ ઈટાલીયન મરદો આમે ય આશિકમિજાજ ને જીવન ચસચસાવી માણી લેનારા. પણ કૈંક જુવાનિયાઓની રોગપ્રતિકારક શક્તિ ય જગતમાં હાંફતી હોય ત્યારે આ એક અદભુત નક્કર પ્રેરણા છે. બાપાએ આ ઉંમરે ઝઝૂમીને રંગ રાખ્યો. આને કહેવાય શાનદાર જીવ્યા, જાનદાર જીવ્યા. હવે ભલે કાલ મોટા ગામતરે ભાભા ઉપડી જાય, એક વાર કોરોનાને એક જાજરમાન ગઢમાં ગાબડાં પાડ્યા વિના પાછું તો ફરવું પડ્યું ને. ખાસ તો વડીલો માટે આ કેટલા ફાઇટિંગ સ્પિરિટની આંતરિક રસી પેદા કરતા રાહતના સમાચાર છે ! પહેલા એક નવજાત શિશુએ જન્મીને મેસેજ આપ્યો ને હવે સેંચુરિયન ઇટાલીયને.

બાય ધ વે, દાદાએ તો કાયદેસર કોરોનાને કહી દીધું હશે કે ‘રિશ્તે મેં તો હમ તુમ્હારે બાપ લગતે હૈ, ઔર જીસ સ્કુલ મેં તુમ પઢે હો ઉસકે હમ હેડમાસ્ટર હૈ’ કારણ સાયન્ટિફિક છે. ભાભા 1919માં જન્મેલા, જ્યારે જગતને ( ખાસ તો યુરોપને) વિશ્વયુદ્ધ બાદ સ્પેનિશ ફલૂ લાગુ પડેલો. 1960ના ગાળામાં ફર્સ્ટ જનરેશન કોરોના આવ્યો એ પહેલા કોરોનાનો પૂર્વજ એવો એ વાઇરસ હતો. ત્યારે જે બાળકે શ્વાસ લીધા ને વિશ્વની કુલ વસતિના ત્રીજા ભાગને ચેપ લગાડીને એ વખતે અઢી કરોડને ભરખી જનાર મહામારી સામે બાથ ભીડી સર્વાઇવ થયો, એ જ આજે 101 વરસનો કોરોનાપછાડ મહાબલી !

ગળથૂથીમાં જ તોફાન પીનારને તોફાન શું નડે ? અર્નેસ્ટ હેમિંગ્વેની ‘ઓલ્ડ મેન એન્ડ ધ સી’ નવલકથા આંખ સામેથી પસાર થઈ ગઈ. જેમાં બુઝૂર્ગ માછીમાર સેન્ટીયાગો ગામની પરવા કર્યા વિના ઝિંદાદિલ થઇને એકલો માત્ર એની જીજીવિષા પુરવાર કરવા સમન્દરમાં હોડી લઈ વિરાટ માછલી સામે બાથ ભીડી મોતના મુખમાં હાથ નાખીને જીતે છે. ભલે એ જોવાવાળું કોઈ ન હોય ! આ બૂઢા રોમન યોદ્ધાને ય પબ્લિસીટી નથી જોઈતી. એની પ્રાઈવસીની વિનંતી બાદ મીડિયાને એનો રિપોર્ટ સત્તાવાર અપાયો પણ ફોટો કે નામ નહિ. એને ‘મિસ્ટર પી’ એવું કહેવાયું ને કોરોનાનો કોથળો ખભે નાખી ભાભા ઘરભેગા થઈ ગયા. જરાક અમથા ટેન્શનમાં ડ્રગ કે આપઘાતના વિચાર કરવાવાળી પોલીપોપટી જવાન જનરેશને યાદ રાખવાનું કે થાકવાનું ને હારવાનું તો 101 વર્ષે ય નહિ. મરે આપણા દુશ્મન. આપણે શા માટે સ્યુસાઇડ કરી સાઈડમાં જઈએ ? ભયથી ફાટી પડતા પહેલા તબિયતથી મુકાબલો કરવાનો પ્રયાસ તો કરો. કોને ખબર રિઝલ્ટ બદલાઈ પણ શકે.

આ બાપાને હુલામણું નામ બંદાને આપવાનું થયું હોત, તો જરૂર આપત : કર્નલ મજબૂતસિંહ, 101 નોટ આઉટ.

– જય વસાવડા

Leave a Reply

%d bloggers like this: